Skip to main content

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહેરો - આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું -
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?

Rate this poem
No votes yet
Reviews
No reviews yet.