Skip to main content

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર,
લ્યાનત હજો હજાર એહવા આગેવાનને!

બીજાંને બથમાં લઈ થાપા થાબડનાર,
પોતાનાં વડિયાં કરે કદમે રમતાં બાળ,
ખમા! ખમા! લખવાર એહવા આગેવાનને!

સિંહણ બાળ ભૂલી ગયાં ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ;
મુગતિ કેરી ભૂખ જગવણહાર, ઘણું જીવો.

પા પા પગ જે માંડતા, તેને પહાડ ચડાવ,
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ,
રાતા રંગ ચડાવ એહવા આગેવાનને!

પગલે પગલે પારખાં, દમ દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો, ભરિયા પોંખણ થાળ;
કૂડાં કાળાં આળ ખમનારા, ઘણી ખમા.

બાબા! જીત અજીત સબ તેં ધરિયાં ધણી દ્વાર,
મરકલડે મુખ રંગિયાં દિલ રંગ્યા રુધિરાળ;
રુદિયે ભરી વરાળ, હસનારા! ઝાઝી ખમા.

Rate this poem
No votes yet
Reviews
No reviews yet.