Skip to main content

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,
મુરદાં મસાણેથી જાગતાં - એવી શબ્દમાં શી સુધા ભરી !

પૂછી જોજો કોઈ ગુલામને -
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન' - શી ઓહો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ છાતીમાં છોળો છલકાઈ પડી !

એને ભાન મુક્તિ તણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું
એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી
એની ઊર્મિ રાંક મટી રુડા જગબાગમાં રમવા ચડી !

પડું કેદખાનાને ઓરડે
લટકુંયે ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગડે
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !

કાળી રાત ચોગમ ઘૂઘવે
લાખો શાપ બંધુજનો લવે
વા'લાં વેરી થૈ રોવે-મૂંઝવે
છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી

મારા દેશનાં સહુ શોષિતો
દુનિયાનાં પીડિતો-તાપિતો
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો
એનાં ભૂખ્યાં પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી

Rate this poem
No votes yet
Reviews
No reviews yet.